આજની યંગ જનરેશન



આજની યંગ જનરેશન

 ગમે છે આજની યંગ જનરેશન ! હા, જે ખરેખર વયની સાથેસાથે વિચારોથી પણ યંગ છે એવી જનરેશન. જેને તમે અવગણી ન શકો, જેને તમે એકવાર ટોક્યા પછીય વારંવાર ટોક્યા વગર ન રહી શકો એવી જનરેશન. જેના કપડાં અને ખાવાપીવાની રીતભાતથી માંડીને હેરસ્ટાઇલ સુધી સઘળું નોટિસ કર્યા વગર ન રહી શકો, ને છતાંય દર બીજા-ત્રીજા દિવસે હેરસ્ટાઇલને બદલીને કશીક નવી છટામાં ફરવા માંગતી જનરેશન. જે તમને નથી ગમતું કે ઓછું ગમે છે, એ બધું જ એને ‘પરફેક્ટ’ લાગે છે. ને જે તમારા માટે પરફેક્ટ છે એ બધું એના માટે ‘જુનવાણી’ છે કાં તો ‘નાપસંદ’ !
આ એવું યંગ બ્લડ છે, જેના પર કાળા ડાઘા ન પડે એની ચિંતા સતત તમને કોરી ખાતી હોય અને એ પોતે તો વધુને વધુ રંગીન થવાની તાલાવેલી સાથે જીવવા ઇચ્છતું હોય, મથતું હોય, કશુંક નવું કરવા સતત તરવરતું હોય. ને એ યંગ જનરેશનને તરવરતી જોઈ કોણ જાણે ક્યાંથી તમારામાં એવો તડફડાટ પેસી જાય કે તમે એની સામે એના તરવરાટને છેક પાણીમાં તળિયે બેસી જવાની વાતો આદરી દો. જ્યારે આવું થાય ત્યારે બંને પેઢી વચ્ચે એક થર જામી જાય. એક એવો પારદર્શક થર જેને તમે જોઈ જ ન શકો પણ એ ચોક્કસ અનુભવી જાય.
ફેશન અને પેશનના ફંડામાં ફરતી જનરેશન. જે ક્યારેક પોતે જ ખોટી સાબિત થઈ જાય, તો વળી ક્યારેક તમે ન કરેલું કામ કરી બતાવે. જેને તમારા જેવું બિલકુલ નથી બનવું, કે અમુકને તમારા જેવું બનીને તમારાથીય આગળ પહોંચવું છે. ને તમે એને તમારા જેવા જ બનાવવાની હઠ પકડીને બેસી રહ્યા હોવ છો. તમારી જેમ તેઓ પણ સપના જૂએ છે પરંતુ સહેજ નોખા અને ઘણા અનોખા ! એ તમારા જેમ બળદગાડું ચલાવીને ગામતરે જવા ન જ નીકળે. એ વાત ગળે ઊતરે એટલી સરળ છે તોય ઘણીવાર અમુક લોકો આ વાત સમજવા નથી માંગતા. ને અમુક સમજે છે તો સ્વીકારવા નથી માંગતા.
ખેડૂતના દીકરી-દીકરા સમય બદલાતા ડૉક્ટર, એન્જિનિયર કે વકીલ બની ગયા, એ વાત સૌને ગમી જાય. પરંતુ એમાંથી જો કોઈ એક્ટર, ડાયરેક્ટર, સિંગર, વ્રાઇટર કે ડાન્સર બનવાનું વિચારે તો અમુક ઘરોમાં ધરતીકંપ આવી જાય. કેમ? કેમ કે કદાચ જ્યાં યંગ જનરેશન પહોંચી શકે છે ત્યાં એમના વડીલો વિચારોથીય નથી પહોંચી શક્યાં. કદાચ કોઈકને સમાજમાં પાછળ રહી જવાનો ડર છે, તો કોઈને બીજા તરફથી મળતા વણમાગ્યા અભિપ્રાયો અને સલાહોની કદર !
ને ત્યારે આ રીતે મળતી વણમાગી સલાહો યંગ જનરેશનને કરડવા દોડતી હોય એવું લાગે. છતાંય સલાહોના હથોડા સહી સહીને પોતે આગળ વધવાની હિંમત બતાવે એ છે આજની યંગ જનરેશન ! અને જ્યારે એક દિવસ એ પોતાના ધાર્યા મુજબનું કાર્ય કરી બતાવે ત્યારે એ કાર્ય ન કરવાની સલાહ આપનારા સમાજવાદીઓ “વાહ.. વાહ.. ખૂબ સરસ.” કહેતા ન થાકે. બેચાર વખાણ કરીને એ જ લોકો પ્રગતિ કરનાર પાસે પોતાના સંતાન માટે ‘ટીપ્સ’ લેવા આવે. ત્યારે એ યંગ છોકરો કે છોકરી બિંદાસપણે તમામ બાબતો શેર કરી દેશે, જૂનું બધું ભૂલીને.. માનસહ ! કેમ? કારણ કે આજના યંગ બલ્ડમાં કદાચ એ ઇગો પ્રવેશતો જ નથી, જે જૂની પેઢીમાં અમુકને હતો.
મોટાભાગે આજનો યુવાન નિખાલસ છે. નિષ્કપટી પણ ખરો ! એનામાં બદલાની ભાવના મરી પરવારવાની હોય એવું ન કહી શકો, કેમ કે એનામાં એ ગુણ આવ્યો જ નથી. નિખાલસ છે એટલે જ એ પોતાની ઇચ્છાઓ તમારી સમક્ષ રજૂ કરી દે છે. તમને એ કહી દે છે કે, ‘હું ડૉક્ટર કે વકીલ નહીં બનું, હું સિંગર, ડાંસર કે એક્ટર થઈશ.’ આ વાતને ન સ્વીકારતા જ્યારે તમે એને સંભળાવો છો કે, ‘મેં મારા બાપાને ક્યારેય નહોતું કીધું કે હું ખેતી નહીં કરું.’ ત્યારે તમારે વિચારવું જોઈએ કે જો તમે એ સમયે કહી દીધું હોત તો ! તો કદાચ આજે આ રીતે પસ્તાવો ન કર્યો હોત. આ જ તો વાત છે આજના યંગમાં. એ વર્ષો સુધી કે વર્ષો પછી પસ્તાવો કરવા નથી માંગતો. અને એટલે જ એ આજે જે ચાહે છે એ કહી દે છે. જે ઇચ્છે છે એ કરવા મથે છે, એ માટે ઝઝૂમે છે.
ટીચર કે ઓફિસર બનવા માગતી દીકરી એની માતાને કહી જ દે છે, “હું આખી જિંદગી ઘરે બેસીને ખાલી રોટલા નહીં ટીપું.” એનો મતલબ એવો બિલકુલ નથી કે એ દીકરીને રોટલા બનાવવા નથી ગમતા કે નથી કરવા. એ ઓટલા પંચાતથી દૂર રહી રોટલા ટીપવાની સાથેસાથે ઘરરૂપી પીંજરામાં પૂરાઈ રહેવા કરતા કશુંક કરી કાર્યરત રહેવા માંગે છે. પોતાને ક્યાંક જોવા માંગે છે. પોતાનું એક આગવું અસ્તિત્વ બનાવવા માંગે છે. તો એમાં ખોટું શું છે? કે આપણે એને રોકીએ. વિરોધ કરનારા દરેકે એ વિચારવું રહ્યું.
લગ્ન બાબતે પણ આજનો યુવાન નિખાલસપણે માબાપને કહી શકે છે કે, “છોકરી દેખાવમાં થોડી આમ-તેમ હશે તો ચાલશે પણ પ્રોફેશન હોવું જોઈએ.” એવી જ રીતે છોકરીઓ પણ કહે જ છે, “પપ્પા, તમે શોધવા માંગો છો એટલી પ્રોપર્ટી ન હોય તો મને કંઈ પ્રોબ્લેમ નથી. મારે તો મારી કદર કરે એવું ફેમિલી જોઈએ છે.” એ લોકોની વાત પણ ખરી જ છે ને ! જે જોઈએ છે એ જ ન હોય અને ન જોઈતું અઢળક હોય તો શું કામનું?
આજની મોટાભાગની છોકરીઓ એનાં પતિ પાછળ ઘસડાઈને ચાલવા નથી માંગતી. એ તો પતિ સાથે મળીને ચાલવા-દોડવા માંગે છે. સમયની સાથે લોકોના વિચારો બદલાયા છે. એનું વર્તન પણ જરાંતરાં બદલાયું છે. એને સ્વીકારવું રહ્યું. તમારા પિતા સાંજે બળદગાડું લઈને ઘરે પાછા ફરતા ત્યારે તમે બળદ છોડીને, એને પાણી પીવડાવી ખીલે બાંધવાનું કામ કરીને મદદ કરતા. આજનો યુવાન તમને મોબાઇલ/સ્માર્ટ ફોનમાં કોઈનો કોન્ટેક્ટ નંબર સેવ કરીને, મેસેજ વાંચી સંભળાવીને કે ડાયરીમાંથી નંબર શોધી આપીને મદદ કરે છે. કેમ કે એની પાસે તમે બળદગાડું લાવ્યા જ ક્યાં છો? ને એને બળદગાડું જોઈતું પણ નથી. મદદ એવી જ છે. સ્નેહ પણ એ જ છે. માત્ર રીત બદલાઈ છે.
એવી જ રીતે, ગઈ પેઢીની દીકરી આખો દિવસ મા સાથે દાડિયે જતી. જ્યારે આજની દીકરી સિલાઈ મશીન ચલાવે છે કે ક્યાંક ઓફીસમાં નોકરી કરે છે. એમાંય એવી જ મદદ !
પહેલાં પતિ ગજરો લાવીને પત્નીને ખુશ કરતો. આજની યંગ જનરેશન આનાથી કંઈક અલગ કરવા વિચારે/કરે. પોતે ગુલાબ કે બૂકે આપીને ખુશ કરે. પહેલાં પત્ની સુખડી, ઢોકળા કે પતિને ભાવતી બીજી વાનગી બનાવતી. સુખડી પર કાજુ-બદામનો ભૂકો અને ઢોકળા પર લસણની ચટણી ભભરાવીને પીરસતી, અને પતિ ‘સરસ બની છે.’ કહેતો ત્યારે પત્ની શરમાઈને મલકાઈ જતી. જ્યારે આજની યંગ જનરેશન એનાથી તદ્દન અલગ છે. પતિને પસંદ પિઝ્ઝા પર ટોમેટો સોસથી ‘I love U’ લખીને, ટોપિંગ કરીને પીરસે છે. ને પતિ ‘મસ્ત બન્યું છે.’ કહે ત્યારે આજની યંગ પત્ની ખડખડાટ નિખાલસ હાસ્ય વેરે છે.
પેઢી દર પેઢી વિચારો બદલાય છે. બદલાયા પણ કરશે જ! એને રોકી ન શકાય. બદલાતા વિચારો સાથે દરેક જૂની પેઢીએ ભળી જવું પડે. એને વેગ આપવો પડે. તો જ પરિણામ ગમતું મળે.
આજનો યુવાન અરેંજ મેરેજ માટેની મિટિંગમાં પણ બિંદાસ કહી દે છે કે, “મારો સ્વભાવ જરા ગુસ્સાવાળો છે. કોઈ ન ગમતી વાતે ગુસ્સો આવી જાય પણ તરત ઊતરી જાય છે. મારો ગુસ્સો લાંબો ન ચાલે. તો..” ને ત્યારે છોકરી પણ હસીને બિંદાસપણે જવાબ આપી દેય, “..તો હું તમારો ગુસ્સો સહન કરી શકું પણ મારાથી કોઈવાર નાની જીદ થઈ જાય તો તમારે સહન કરવી પડશે.” ત્યારે યુવાન હસીને બોલી દે કે, “જીદ મારા ગુસ્સા જેટલી નાની હોય તો સહન થઈ શકશે પણ મને આમ ‘તમે.. તમારે..’ એમ માનથી નહીં બોલાવવાનો. આ બધું ઓક્વર્ડ લાગે. એટલે ‘તું’ કહી શકે.” ખરેખર આજની યંગ જનરેશન આવા પારદર્શક સંબંધોમાં ખુશ છે. એને મન પરના પડદા વગરની દીવાલો વધુ ગમે છે.
મોટા ભાગના ઘરોમાં જૂની પેઢીના પતિ-પત્ની સાથે બેસીને સ્નેહભરી વાતો ન કરી શકતા. ‘વડીલોને ખોટું લાગશે.. આ તો અયોગ્ય કહેવાય..’ એવું કેટકેટલુંય વિચારીને વડીલો ઘરે હોય ત્યારે પત્ની કદીયે એનાં પતિની બાજુમાં ખાટલે ન બેસતી. અને પતિ પણ કદી એને ‘પ્રેમ કરે છે.’ એવું ન કહેતો. જ્યારે આજનો યુવાન પતિ બેઝિજક “આઇ લવ યુ.” કહી દે છે. ને પત્ની પણ આંકડિયા ભીડીને સાથે ચાલી શકે છે. ત્યારે આમ આંકડિયા ભીડીને ચાલતા કે એક સોફે બેસીને હસી-મજાક કરતા યુગલને જોઈ ‘એને તો શરમ જ નથી, ઇજ્જત નથી રાખતાં, અમને ગણકારતા નથી.’ જેવી વાતો આદરીએ તો એવી વાતો કરતા પહેલાં સમજી લેવું જોઈએ કે એમાં એ યુગલનો કોઈ વાંક નથી. એ જેવા છે એવા દુનિયા સામે પ્રગટ થાય છે. એને ઢોળ ચડાવેલા દાગીના જેવું વર્તન નથી પસંદ !
જૂની પેઢી પણ એક સમયે વિચારતી હતી જ કે, “વડીલો એકાંત નથી આપતા. એટલે અમારી વચ્ચે વાતો નથી થઈ શકતી.” મતલબ એ સમયે જૂની પેઢી પણ કંઈક ચાહતી હતી. પોતે એની ઇચ્છા પૂરી કરવા રસ્તો ન કર્યો. પણ આજની જનરેશન ત્યાં લગી પહોંચી ગઈ છે.
પેઢી દર પેઢી વિચારો બદલાય, બદલાવા પણ જોઈએ. વિચારોની સાથે એને અમલ કરવાની રીત પણ બદલાશે, વર્તન બદલાતું-સુધરતું જશે. ગઈકાલની જનરેશને આજની જનરેશનને જેવી છે એવી સ્વીકારવી રહી, વહેલા-મોડી સ્વીકારવી પડશે. એવી જ રીતે આવતી જનરેશન પણ આજની જનરેશનથી અલગ હોવાની જ છે. જો ‘એ ખરા અર્થમાં અયોગ્ય દિશામાં ન હોય તો’ એને પણ જેવી હોય એવી જ આજની જનરેશને સ્વીકારવી પડશે, માનવી પડશે. સહજતાથી, સરળતાથી એમાં ભળી જવું પડશે. એવું હું અંગત રીતે માનું છું. આ દરેક બાબતે બીજાના વિચારો અલગ હોઈ શકે. જેને હું રોકી ન શકું. પરંતુ દરેકે સત્યને સ્વીકારવા લગી પહોંચવું તો પડશે જ ને?

Comments

Popular posts from this blog

જિંદગી મેં યે હુનર ભી આજમાના ચાહિયે… જંગ અગર અપનોં સે હો, તો હાર જાના ચાહિયે!

Math મારો પ્રિય વિષય છે….