જિંદગી મેં યે હુનર ભી આજમાના ચાહિયે… જંગ અગર અપનોં સે હો, તો હાર જાના ચાહિયે!


જિંદગી મેં યે હુનર ભી આજમાના ચાહિયે… જંગ અગર અપનોં સે હો, તો હાર જાના ચાહિયે!

15નવેમ્બર
ATT_1446753526088_Времен года)(1)
રિશ્તાના રસ્તા પરની દીવાલ વ્હાલથી તૂટે છે, સંબંધ જાળવવો હોય તો કશું છોડતા શીખવું પડે !
———————————————————————————————————————-
નવા વિક્રમ સંવતના પહેલા લેખનું ઓપનિંગ ‘સ્પીકિંગ ટ્રી’ કિતાબના એક હૃદયસ્પર્શી કિસ્સાથી કરીએ :
વાત જરા જૂની છે. થોડા વર્ષો પહેલાની.
એક મિત્રનો પાસપોર્ટ બનાવવા પાસપોર્ટ ઓફિસે જવાનું થયું. એ દિવસોમાં ઈન્ટરનેટ પર ફોર્મ ભરાતું નહોતું. આવી ઓફિસોમાં દલાલોની બોલબાલા રહેતી. ઉપરના પૈસા લઈને દલાલો ફોર્મ વેંચવાથી જમા કરવાના કામ ‘જુગાડ’ કરીને કરતા. મિત્રને આવા ટાઉટ્સની ટ્રીકબાજીમાં ફસાવું નહોતું.
અમે પાસપોર્ટ ઓફિસે પહોંચ્યા. લાઈનમાં લાંબો સમય ઉભીને ફોર્મ લીધું. ચોકસાઈથી એ ફોર્મ ભર્યું. એમાં કલાકો નીકળી ગયા. હજુ તો એની સાથે ફી જમા કરવાની હતી.
અમે લાઈનમાં એ માટે ય ઉભા રહ્યા, પણ જેવો અમારો વારો આવ્યો, ત્યાં જ બેઠેલા સરકારી બાબુએ બારી બંધ કરીને કહ્યું કે “સમય પૂરો. હવે કાલે આવજો.”
અમે વિનંતી કરી, કહ્યું કે ‘બહારથી આવીએ છીએ. આખો દિવસ આજનો ખર્ચાઈ ગયો છે. ખાલી ફી જમા કરાવવાની જ વાત છે, ચંદ સેકન્ડસનો મામલો છે. એ લઈ લો, તો ફરી ધક્કો નહિ, આખો દિવસ જાય નહિ.’
બાબુ બગડયા. કહ્યું : ”તમે આખો દિવસ ખર્ચી નાખ્યો, તો શું મારી જવાબદારી છે? સરકારને કહોને વધુ સ્ટાફની ભરતી કરે, આ સવારથી હું એકલો જ બધું કામ કરું છું!”
ઘણી રિક્વેસ્ટ કરી, સમજાવ્યું કે આટલી દલીલોમાં તો કામ થઈ ગયું હોત. પણ ના જ માન્યો. મિત્રે કહ્યું કે સવારથી એજન્ટોનું કામ તો બધા નિયમોની ઉપરવટ એણે કરી જ નાખ્યું હતું. જરાક વગર એજન્ટનું, ઉપરની કોઈ લાગવગ કે વધારાના પૈસા વગરનું કામ આવ્યું એટલે એણે આનાકાની શરૃ કરી.
એણે કાઉન્ટર જ ક્લોઝ કર્યું. મિત્ર નિરાશ થયો. બીજે દિવસે ય આ જ હાલત થાય.
મેં વિચાર્યું, કાલ કરતાં જોઈએ, હજુ એક પ્રયત્ન કરીએ. રોફ કે રિશ્વતથી તો કામ કરાવવું નહોતું.
બાબુ એની થેલી લઈ ચાલતો થયો. ચૂપચાપ હું એની પાછળ પાછળ ચાલતો થયો. ઓફિસમાં ઉપરના માળે આવેલી કેન્ટીનમાં એ ગયો. ટેબલ પર બેસી થેલામાંથી લંચ માટેનું ટિફિન કાઢયું. એકલો એકલો ખાવા લાગ્યો.
હળવેકથી હું સામેની ખુરશીએ જઈ બેઠો. એણે તોબરો ચડાવેલું મોં બનાવ્યું. હું હસ્યો. ને પૂછયું ‘રોજ ઘેરથી જ જમવાનું લાવો છો?’
એણે રૃક્ષતાથી કહ્યું ‘હા.’
મેં કહ્યું, ‘તમારી પાસે તો ઘણું કામ છે, રોજ નવા નવા લોકોને મળવાનું થતું હશે નહિ?’
ખબર નહિ, એ શું સમજ્યો પણ કહેવા લાગ્યો કે ‘હા, બહુ મોટા મોટા અધિકારીઓને મળવાનું થાય. આઈએએસ, આઈપીએસ, કોર્પોરેટર એવા ય મારી ખુરશી સામે આવે.’ ચહેરા પર જરાક ગર્વ છવાયો.
મેં ચૂપચાપ સાંભળીને કહ્યું, ‘હું એક રોટલી ખાઈ શકું?’ મેં એની પ્લેટમાંથી એક રોટલી ને થોડું શાક લઈ ખાવાનું શરૃ કર્યું, એ મારી સામે જોતો રહ્યો. મેં કહ્યું ‘તમારા પત્ની જમવાનું સરસ બનાવે છે.’ એ ચૂપ રહ્યો.
મેં ફરી વાત શરૃ કરી, ‘તમે મહત્વની જગ્યાએ બેઠા છો. મોટા મોટા લોકો તમારી પાસે આવે છે. પણ તમે તમારી ખુરશીની ઈજ્જત નથી કરતા!’
એને સમજાયું નહિ. ‘એટલે?’  મેં કહ્યું  ‘ભાગ્યશાળી છો, લોકો સામેથી આવે એવા કામ પર છો, પણ કામનું સન્માન કરતા હોત તો તમારો વ્યવહાર આવો અતડો કે તોછડો ન હોત.’
એને નવાઈ લાગી. મેં કહ્યું ‘જુઓ, આ અહીં તમારા કોઈ મિત્ર નથી. આ કેન્ટીનમાં એકલા જમવું પડે છે. ખુરશી પર ઉદાસ થઈને બેસો છો. આખો દિવસ ગંભીર ચહેરો. લોકોનું કામ પુરું કરવાને બદલે કે એમાં મદદ કરવાને બદલે અટકાવવાની કોશિશ કરો છો. કોઈ બપોરે બે વાગે બારી પર પહોંચે તો સવારથી લાઈનમાં ઉભો છે, એમ માની જરાક સ્મિત કરીને શાંતિથી વાત પણ નથી કરતા.વિનંતીના જવાબમાં કાઉન્ટર બંધ કરીને કહો છો કે સરકારને કહો વધુ લોકોની ભરતી કરે. માની લો કે એવું કહીને નવી ભરતી કરાવીએ, તો તમારું મહત્વ ઘટી નહિ જાય? એવું થાય કે આ કામ રહે જ નહિ. તો મોટા મોટા લોકોને મળવાનું ક્યાંથી થાય?
ભગવાને તમને મોકો આપ્યો છે, સંબંધો વિકસાવવાનો. કોઈના મનમાં સ્થાન મેળવી એને ઉપકારવશ બનાવવાનો. પણ તમે એનો લાભ ઉઠાવવાને બદલે સંબંધો ખરાબ કરી રહ્યો છો ! મારું શું છે? કાલ આવીશ, કાલે નહિ થાય તો પરમ દહાડે આવીશ. તમે નહિ હો તો કોઈક બીજો પતાવી દેશે. એવું તો છે નહિ કે આજે નથી થયું તો કામ આજીવન થશે જ નહિ? પણ તમારી પાસે એક તક હતી કોઈના પર હાથ રાખવાની, એ ચૂકી ગયા.’
એણે ખાવાનું છોડીને મારી વાત સાંભળવાનું શરૃ કર્યું. મેં આગળ ચલાવ્યું ‘પૈસા તો તમે બહુ કમાશો. પણ સંબંધો નથી કમાયા તો બધું બેકાર છે. કરશો શું પૈસાનું? વ્યવહાર સરખો નહિ રાખો તો ઘરના લોકો ય દુ:ખી રહેશે. યારદોસ્ત તો છે નહિ.’
એનો ચહેરો ઝંખવાયો. એણે કહ્યું ‘સાચી વાત છે સાહેબ. પત્ની પણ બાળકોને લઈ ઝગડો કરી જતી જ રહી છે. આ ટિફિન પણ માનું બનાવેલું છે. એની સાથે ય વાતો થતી નથી. રાત્રે ઘેર જવાનું મન પણ ન થાય. ખબર નથી શું ગરબડ છે.’
હળવેકથી મેં કહ્યું ‘ખુદને બીજા સાથે જોડો. કોઈની મદદ થઈ શકે તો કરો. મારી પાસે તો પાસપોર્ટ છે, તો ય જુઓ મિત્રને ખાતર તમારી પાસે આવ્યો છું. મેં વિનંતી કરી, બીજાને માટે. મારો કોઈ સ્વાર્થ નહોતો. એટલે મારી પાસે દોસ્ત છે તમારી પાસે નથી.’
એ વિચારમાં પડયો. પછી ઉભો થઈને કહે ‘બારી પર પહોંચો, તમારું ફોર્મ આજે જમા કરાવી લઉં છું.’ કામ થઈ ગયું.
વર્ષો પછી દિવાળી પર હેપી દિવાળીના ઘણા ફોન આવ્યા. એમાં એક ફોન આવ્યો ‘ચૌધરી બોલું છું, સાહેબ. તમે એકવાર પાસપોર્ટ માટે આવેલા ત્યારે આ નંબર મને આપેલો, ને કહેલું કે પૈસા જ નહિ, સંબંધો પણ બનાવો.’
મેં કહ્યું ‘અરે હા..’
એણે ખુશીથી કહ્યું “તમે ગયા પછી દિવસો સુધી વિચારો કર્યા. મને ય થયું કે બધા પોતપોતાનામાં વ્યસ્ત છે. પૈસા આપી જાય છે, પણ સાથે જમવાવાળા નથી. એટલે પછી સાસરે જઈ પત્નીને લઈ આવ્યો. એ તો માનતી જ નહોતી, પણ ત્યાં એ જમવા બેઠેલી એની પ્લેટમાંથી મેં રોટલી ઉઠાવી લીધી, પૂછયું ‘સાથે ખાઈશું?’ એ હેરાન થઈ, પછી આવતી રહી.
હવે હું રૃપિયા નહિ, રિશ્તા કમાઉં છું. શક્ય હોય ત્યાં અંગત રસ લઈ મને સોંપાયેલા બીજાના કામ  હસીને કરી દઉં છું. મારી મોટી દીકરીના લગ્ન છે, આપે આવવાનું છે, ઘરમાં બધા આપને ઓળખે છે.”
એ બોલતો રહ્યો, હું સાંભળતો રહ્યો. આવી અસર થશે એવું વિચાર્યું નહોતું. પણ માણસનું સંચાલન લાગણીથી થાય છે. કારણ, તર્કથી તો ફક્ત મશીનો ચાલે છે !
* * *
રિચાર્ડ કાર્લસન નામના અમેરિકામાં મોટિવેશનલ બૂકના લેખક. એવા જ બીજા એમનાથી ઘણી ઊંચી કક્ષાના અને ઘણા વધુ નામ-દામ કમાયેલા સુપરસ્ટાર ઈન્સ્પાયરિંગ રાઈટર એટલે ડો. વેઈન ડાયર. રિચાર્ડભાઈએ એક બૂક લખી, જેની પ્રસ્તાવના ડો. ડાયર લખી દે, એવી એમની ઈચ્છા. અમેરિકામાં તો રાઈટરના દબદબા ફિલ્મસ્ટાર જેવા. એજન્ટસ કે સેક્રેટરી મારફત જ વાત થાય, બધું જ લીગલ કોન્ટ્રાકટ અને આર્થિક વળતર મુજબ થાય.
રિચાર્ડભાઈની રિકવેસ્ટનો બેહદ બિઝી ડો. ડાયર તરફથી ત્વરિત જવાબ ન મળ્યો. એમને બૂક છાપવાની ઉતાવળ હતી, એટલે પબ્લિશરને ‘ગો એહેડ’ની સૂચના આપી. માર્કેટિંગ ખાતર પ્રકાશકે ભૂતકાળમાં એક બીજા પુસ્તકમાં ડો. ડાયરે રિચાર્ડના વખાણ કરી દીધેલા, એ પેરેગ્રાફ આ પુસ્તક માટે બેઠેબેઠો ફરી છાપી દીધો. બૂક કવર જોઈને રિચાર્ડના મોતિયાં મરી ગયા. સીનિઅર પોપ્યુલર રાઈટરને કેવું લાગશે? ક્યાંક કેસ કરી વળતર માંગે તો? ગુસ્સે થઈ ધધડાવી નાખે ને જાહેરમાં રિચાર્ડની ખિલ્લી ઉડાવે તો?
પોતાનો વાંક તો નહોતો, પણ રિચાર્ડ કાર્લસને પ્રગટ થયેલી કિતાબો સ્વખર્ચે સ્ટોરમાંથી પાછી મંગાવવાના પ્રયત્નો કર્યા. હિંમત કરી અજાણતા થયેલી ભૂલની જવાબદારી પોતે સ્વીકારી ડો. ડાયરને માફી માંગતો પત્ર લખ્યો. કોઈ બીજા કહે, એ પહેલા જાતે જ ભૂલ કબૂલ કરી. બૂક જ રદ કરવાનો પ્રસ્તાવ મુક્યો.રોજ મૂંઝવણમાં દિવસો વીતાવે. અચાનક એક દિવસે એમને નાનકડો પત્ર મળ્યો.
અત્યંત વ્યસ્ત ડો. વેઈન ડાયરે એમના હસ્તાક્ષરમાં લખીને મોકલ્યું હતું : રિચાર્ડ, ધેર આર ટુ રૃલ્સ ફોર લિવિંગ ઈન હાર્મની. (૧) ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ (૨) ઈટસ ઓલ સ્મોલ સ્ટફ. લેટ ધ ક્વોટ (પ્રકાશિત પુસ્તકમાં એમના નામે છપાયેલો ફકરો) સ્ટેન્ડ. લવ. વેઈન.
એમણે કહ્યું એ જ કે, બીજા સાથે હળીમળીને સુખચૈનથી જીવવું હોય તો બે જ રસ્તા છે. જીંદગીમાં નાની નાની બાબતો માટે બહુ ચિંતા કરી, સમય-શક્તિ વેડફીને દુ:ખી કે પરેશાન થવું નહિ. અને આમ તો બધી જ બાબતો નાની જ હોય છે. જે થયું તે ભલે થયું. ચિલ. ડોન્ટ વરી, બી હેપી.
ડીડીએલજેમાં આ જ મેસેજ જુદી રીતે કહેવાયો હતો: બડે બડે દેશોંમેં છોટી છોટી બાતેં હોતી રહતી હૈ! ઈટસ નોર્મલ, ઈટસ નેચરલ. કોઈ પણ ઈસ્યૂને આપણે મહત્વ આપી આપીને બહુ મોટો બનાવી દઈએ છીએ. બળતામાં ઘી હોમ્યા જ કરો તો તણખામાંથી ભડકો થઈ જાય.
આપણા નેશનલથી લોકલ મીડિયામાં આ જ ચાલ્યા કરે છે, કારણ કે આપણને જ નવરાં બેઠાં આ બધી પંચાત કરવામાં ભારે રસ પડે છે. બીજાનો ન્યાય તોળવો એ આપણો ફેવરિટ ટાઈમપાસ છે. જાણે પોતે તો બત્રીસલક્ષણા સર્વગુણસંપન્ન દેવભાઈ અવતાર છે!
ઈન શોર્ટ, ફોડકીને ખોતરી ખોતરીને દૂઝતો જખમ બનાવી દેવાની કુટેવ ટાળવા જેવી છે. આફટરઓલ, ૫૦-૧૦૦ વરસમાં કોઈ હશે જ નહિ દુનિયામાં. ન આપણે, ન બીજાઓ. બધા નવા જ આવી ગયા હશે, નવી ડાયરી-કેલેન્ડરની માફક. તો પછી માઠું લગાડવામાં શું સતત માથાકૂટ કરવી ?
હા, એમ નહિ કે ખોટું સહન કરી લેવું, પણ એક તબક્કે એની લડત આપી સબક શીખવાડયા બાદ એ પડતું મૂકી આગળ ચાલતા રહેવું. થાય એ તો, જીંદગીમાં જાતભાતના અનુભવો ને ઈન્સાનો મળે. ન ગમે ત્યાં બહુ ન રોકાવું, ગમે ત્યાં ગુલાલ કરવો. માઠું લગાડવા કરતાં મીઠું લગાડવું સારું. વખોડવામાં જ વખત બરબાદ થઈ જાય, તો વખાણવાનું ભૂલાઈ જતું હોય છે. આફટર એ પોઈન્ટ, સત્ય અને ન્યાયનો અનિવાર્ય સંઘર્ષ ના હોય તો લીવ ઈટ, જતું કરો. લેટ ગો એન્ડ ગો ઓન.
અમુક માણસોને એકદમ ચીકણાશભરી ચોકસાઈ જ કર્યા કરવાની ટેવ હોય છે. ગમે તેવા સંબંધો એમની સાથે લાંબા ગાળે સૂકાઈ જ જાય. એ વાતે વાતે બસ ટોક્યા જ કરે, ઝીણીઝીણી તદન નકામી બાબતોમાં સતત વડચકાં જ ભર્યા કરે. સીંદરીને વળ દઈને એક-એક દોરો ગણી લે. મોસ્ટ ઈરિટેટિંગ પોતે હોય છે, એ એમને ખબર રહેતી નથી.
કોઈ પૂછે કે જરૃરી હોય ત્યાં તરત પોતાના અનુભવ કે જ્ઞાનનો લાભ આપવો જ. પણ પછી કાયમ નાની નાની વાતોમાં સાસુગીરી જેવી કચકચ એકધારી કરવાથી તમને કોઈ સુવર્ણચંદ્રક મળી જવાનો નથી. હા, બ્લડ પ્રેશર, ડાયાબીટિસ, હૃદયરોગ, સ્ટ્રોક, આધાશીશી કશુંક તો બેશક મળી જ જશે, કાયમી મહેમાન તરીકે !
કોઈ જાણી જોઇને વાયડાઈ કરે તો ઝૂડી નાખવા. પરંતુ, વાતેવાતમાં સહજભાવે કે ભોળપણની લાગણીથી વાત કરનારાઓને નજીવી ભૂલો માટે કરેકટ કરીને મિસ્ટર યા મિસીસ રાઈટ બનવાની જીદ જ રોંગ છે. પોતાનો કક્કો ખરો કરાવવાનો ઢોંગ છે. કોઈની શબ્દોમાં કોઈ ભૂલ થાય, કોઈની વર્તનમાં ભૂલ થાય. તમને બહુ જ નુકસાન થાય કે ખરાબ લાગે તો સ્પષ્ટ એકવાર કહી દો. એ ભૂલ કબૂલ કરી ધ્યાન રાખવાની ખાતરી આપે તો પડદો પડી દો એ મામલા પર.   જો એ ચર્ચા કરે તો મુદ્દાસર વાત કરી લો.
પણ પછી ના ગમે તો મૌન ધારણ કરી તમારા કામે વળગો. ભાવનાઓં કો સમજો. કોઈ ઉલ્લુ બનાવે કે જૂઠ બોલે, એને બેશક ખંખેરો પણ કોઈ સામાન્ય માણસના ઉચ્ચાર કે લખાણ કે અણસમજ માટે એનું અપમાન ના કરો. બેકગ્રાઉન્ડ, ક્ષમતા, આર્થિક સ્થિતિ કે ઉંમરમાં નાના માણસોની આ બાબતો માટે અંગત ઠેકડી ના ઉડાડો.
આગળ વધવાનું પ્રોત્સાહન આપો, સુધારા સૂચવી ચેતવણી આપો. પણ ગરીબી; જો માણસ એમાંથી બહાર આવવા સ્વમાન, ડિગ્નિટી સાથે સંઘર્ષ કરતો હોય તો ગુનો હરગીઝ નથી. એવું જ રિલેશનશિપનું છે.
સકસેસમાં ગ્રેટફુલ એટલે નમ્ર બની અલગારી અદ્રશ્ય કે સામેના મદદગારોના આભારી રહો. ડિફિટ યાને પરાજ્યમાં મગજ ગુમાવવાને બદલે ગ્રેસફુલ યાને સૌજન્યશીલ રહો. ‘ગમ ખાઈ જવો’ રૃઢિપ્રયોગ આવી જ સિચ્યુએશન માટે બન્યો છે.
પબ્લિક કહેશે, હોય કંઈ? ફલાણી સેલિબ્રિટી તો સોશ્યલ નેટવર્ક પર ભારે સ્ટબર્ન છે. ટફ છે. વેલ, એમાં અમુક લુચ્ચા દંભીઓ હોય, એમ અમુક સાવ સાચુકલાં હોય છે. વધુ બહેતર દુનિયા બનાવવા સિવાય એમનો કોઈ અંગત હેતુ હોતો નથી. નવું રિનોવેશન કરવા જૂનું હથોડાં મારીને તોડવું તો પડે. પણ ફેસબુક ઉપર ભટકાઈ જનારા કે ફોર ઘેટ મેટર વોટસએપ પર વખાણ કરનારા કે જાહેર જગ્યાઓએ સેલ્ફી ખેંચનારા (સાચો અમેરિકન ઉચ્ચાર  “સેલ્ફાઈ” છે. પણ એવી પિંજણ જરૃરી ના હોય ત્યાં નહિ કરવાની. હમણાં જ કહ્યું ને?) ચાહકો હશે, કે પારકી લોકપ્રિયતાના ઉછીના અજવાળે જરાવાર ઝગમગ થનાર ચાંદલિયા હશે – પણ સ્વજનો નથી. એ સેલિબ્રિટી એના સ્વજનો સાથે કેવી રીતે જીવે છે અને વર્તે છે, એ સત્ય જાણવાનું હોય.
વાત અહીં હરખપદુડા થઈ આખા ગામને વહાલા થવા માટે નરમ માવા થઈ જવાની નથી. ત્યાં કડક રહેવું જ પડે, જેથી પોતીકાંઓ સાથે સ્પેસ અકબંધ મળે. અને જેમને માટે આપણને દિલથી કન્સર્ન છે, જે આપણને મેટર કરે છે, એમની સાથે હૂંફાળા સેતુબંધથી, કેરિંગથી, ક્ષમા અને સ્માઈલથી જીવવાની વાત છે. બાજુવાળા બાબુભાઈ કે બચીબહેનને મૂકો તડકે. આપણી લોનના હપ્તા એ નથી ભરવાના.
એમાં ટેકો કરે એમની સાથે નિસ્બત રાખો. સુખી થવાનો ઈઝીએસ્ટ શોર્ટકટ ક્યો? બીજાઓના અભિપ્રાયોની પરવા અંગે નીંભર થઈ જાવ, એ ઓપિનિયન્સને થોડી ક્ષણો બાદ ક્રૂરતાથી શટડાઉન કરતા શીખો. આપોઆપ ખુશી વધી જશે. અને ખુદની ખુશી એ જ શત્રુઓ સામેનું શ્રેષ્ઠ વેર છે.
દર દિવાળીએ ઘર-ફર્નિચરને ચોખ્ખાં કરવા પડે, યંત્રોમાં તેલ ઊંજવું પડે (ના સમજાયું? ઓઈલિંગ કરવું પડે સ્મૂધનેસ માટે) એમ સંબંધો પણ સ્નેહ વિના સૂકાઈ ને લિસ્સાં પાનમાંથી બરછટ ઠૂંઠૂ બની જાય. ભીનાશ હોય, ત્યાં જ લીલુછમ તાજું ઘાસ ઉગે.
અમુક લોકોમાં ઓછી આવડત હોય એનું ટેન્શન આપણી માથે નહિ રાખવું, બધા સરખા મહાન હોત તો આપણી કદર ક્યાંથી થાત? કામકાજમાં, પરફોર્મન્સમાં ચોક્કસ ઊંચનીચ હોઈ શકે, પણ માણસાઈની બાબતમાં સડક પર રમકડાં પાથરીને મહેનત કરી પેટીયું રળવા બેઠેલાં ડોશીમાનું સ્ટેટસ અંબાણી-અદાણીથી નીચું નહિ ગણવાનું.
રિશ્તામાં મોટું મન રાખવાની એક સિમ્પલ ટ્રિક છે. ચાચા ગાલિબ બતાવી ગયા છે. બાઝીચા-એ-અત્ફાલ હૈ, દુનિયા મેરે આગે. હોતા હૈ શબો રોઝ, તમાશા મેરે આગે ! આ જગત તો નાના ભૂલકાંઓને ખેલવાનો બગીચો છે, એમ માની સાક્ષીભાવે ઘટનાઓનો લુત્ફ ઉઠાવવાનો પ્રયત્ન કરવો, નાના બચ્ચાંની ગરબડો કેમ માફ કરી દઈએ છીએ, થોડું તાડૂક્યાં કે ધોલ ધપાટ પછી?
એમ આ બધા તોફાનીઓ નાના બાળકો છે. છોકરમત કરે છે. આદિત્યનાથોથી લઈને ઓવૈસી સુધીના. એમને કાર્ટૂન માનીને એમાંથી ગમ્મત લેવાની. એમને સિરિયસલી લઈને બહુ મહત્વ નહિ આપવાનું. રિમેમ્બર, બધા એક દિવસે સ્મશાન કે કબ્રસ્તાનમાં જ જવાના છે. સો, સિંગ યોર સોંગ ફર્સ્ટ.
પણ જેમના માટે દિલ ધડકે છે, એમની સાથેના સંબંધોને સાચવવાની માસ્ટર કી આ લેખના ટાઈટલમાં છે. ફરીફરી ઘૂંટીઘૂંટીને વાંચો. પાઠ બરાબર પાકો કરો. દલીલ જીતવી છે કે દિલ? ક્યારેક બાળકની સાથે રમતાં મા-બાપ જાણી જોઈને હારીને જીત કરતા વધુ આનંદ મેળવે છે.
બહુ અકોણા સત્યવાદી થવાને બદલે કોઈનો ઉમળકો સાચવી લેવા ન ભાવતું એક કટોરો ખાઈ લો, ડિસ્ટર્બ કર્યા વિના કોઈ થાકેલાને ઉંઘતા મૂકી હળવેકથી તૈયાર થાવ, એમ જ જરૂર પડે એકાદ રાત ભૂખ્યા સુઈ જાવ. કોઈના પર કટાક્ષ કરો એ ના સમજે તો આપણા પર હસી લેવું મનોમન. અને કોઈ આપણા પર કરે તો વ્યક્તિ સારી હોય ત્યારે એ પચાવી જવો એના માન ખાતર. તમને ખબર જ છે એવી વાત કરે કે તમારી પાસે છે એવી હરખાઈને ગિફટ આપે, તો સાચું કહીને એને ભોંઠપનો અનુભવ ન કરાવો. હસતું મોં રાખી જરાક મસ્તીની એકટિંગ કરી લો. સામેવાળા કે વાળીના ચહેરા પર તો સાચી મસ્તી આવશે ને ! અમુક ખામી કે નબળાઈ વધુ મોટા સંબંધને ખાતર સ્વીકારી લેતા શીખો. કોઈક આપણને ય આમ જ ચાહે છે.
સતત જૂનવાણી માન્યતાઓ કે વ્યક્તિગત ફિલસૂફીની કાતર મારી રિશ્તાની ગાંઠ તોડવી નહિ. અને જો રિલેશન કે ઈન્સાન ફાલતું જ લાગે, તો તોડયા પછી ઘડીઘડી બાંધતા નહિ ! બી ફર્મ, ફીઅરલેસ, ફ્રી.
સ્ટિવ લિવેને એક પ્રશ્ન પૂછેલો. ‘ માનો કે તમારે એક જ કલાક જીવવાનું છે, અને એક જ છેલ્લો કોલ કોઈને કરી શકો એમ છો તો કોને કરશો? શું કહેશો? વિચારો.
….અને એ ય વિચારો કે તો પછી કોની રાહ જુઓ છો? મોત ક્યારે આવશે, કોને ખબર. અત્યારે જ કરી લો ને એ કોલ ! ‘
ધેટસ મેઈક હેપી ન્યુ ઈયર.

Comments

Popular posts from this blog

Math મારો પ્રિય વિષય છે….